વટનો કટકો વાવ

વટ નો કટકો  વાવ
                                                                   લેખન: કાંતિલાલ હેમાણી

મારો તાલુકો વાવ... વટ નો કટકો વાવગુજરાતના ઉત્તર ભાગ માં આવેલો જિલ્લો બનાસકાંઠા. એના નામ ના અર્થ મુજબ બનાસનદીના કિનારાનો પ્રદેશ. કાંપ વાળી જમીન, મહેનતું અને ખડતલ માણસો, મારવાડની હવા અડવાના લીધે કરકસરવાળા પણ એટલા જ.
આ બનાસકાંઠામાં સૌ થી છેવાડાનો તાલુકો-વાવ,આંતરીયાળ વિસ્તાર નવા જમાના ની હવા હવે ધીરે-ધીરે સ્પર્શે છે. પાક્કા રસ્તાઓ ની સગવડ છેલ્લા દાયકામાં થઈ   છે એમ કહી એ તો ચાલે,
વાવ આંતર-રાજ્ય અને આંતર-રાષ્ટ્રીય સરહદથી જોડાયેલું છે.માવસરી થી દૈયપ સુધી રાજસ્થાન સરહદ છે, ખેતરોની વાડ થી જ રાજ્યનું વિભાજન થાય છે એમ કહી એ તો ચાલે.... કયાંક લુણીના પ્રવાહથી.દૈયપ અને માવસરીના કેટલાક ભાગમાં વિશાળ રેતીની પાળ બાંધવામાં આવી છે.
 ૮૦-૯૦ ના દાયકામાં વાવ તાલુકામાં જ્યારે દુષ્કાળ પડતો એટલે લોકોને રોજગારી આપવા માટે સરકાર તરફથી રાહતકાર્ય શરૂ કરવામાં આવતાં લોકો માટી ખોદીને પાળ પર નાખતા. પાવડાથી પાળ સરખી કરે એને પાવડીયો કહેવાતો. શરીરે જરા દુબળો-પાતળો મતલબ કે કુપોષણ વાળો યા તો લાગવગ વાળા ને ખાસ કરીને પાવડીયો બનાવવામાં આવતો.
 લોકોને પીવા માટેનું પાણી પીપ દ્વારા મળતું.પીપ માટે પણ વિશિષ્ટ લાયકાત જોઇતી,એમાં જેના ઘેર બળદ-ગાડું હોય અને કારકુનના મસ્ટર માં પહેલે થી નોધાયેલું હોય એ વ્યક્તિ પીપ લઈને આવતી અને એનો પીપ વાળાને પગાર મળતો. એ પીપવાળા પાસેથી લોકો પોતાની જરૂરીયાત પુરતું પાણી દેગડા કે માટલીમાં લઈ જતા,કોઇ માણસને મેં પાણીનો બગાડ કરતો જોયો ન હતો.
ઊનાળાના દિવસો હોય લોકો[લોકો એટલે ગામના ૯૯% લોકો] વહેલી સવારે અંદાજિત ચાર વાગ્યે ઊઠીને પોતાના પાવડો, ત્રિકમ અને ટોપલી લઈ ને પહોચી જતા રાહતકાર્ય પર.બપોરે દશ- અગિયાર સુધીકામ કરી ને  ચાર વાગ્યા સુધી આરામ કરતા,એવી સખત ગરમીમાં આરામ વિના છુટકો પણ ન હતો.એક અઠવાડિયા ના છ દિવસ કામ ચાલતું,સાતમા દિવસે રજા હોતી.
એના પછી ના અઠવાડિયે ખોદકામનું માપ આવતું. માપ આવ્યું એવી વાત થોડી વાર માં આખા ગામ માં ફેલાઇ જતી.માપ માં  એક ધોળી સરકારી જીપ આવતી એમાં  ગાડીના ચાલક સિવાય બે માણસો હોતા એને ગામ લોકો ઓર્શીલ કેતા. ખોદેલી ચોકડીમાં કેટલીક્વાર એક નળાકાર પિલ્લર ઊભો હોતો એનું માપ અલગથી થાતું એનો અર્થ એમ થતો કે આ લંબચોરસ ચોકડીનો વચ્ચેનો ભાગ સરેરાશ કરતાં ઊંચો હતો.એટલે ખોદકામ વધુ કરવું પડ્યું,જેનાલીધે પગાર માં એનો વધારો મળતો.
ઘરના સભ્યોમાં એક ગેંગ લીડર એવા ઇંગ્લીશ નામ થી ઓળખાતો.ગેંગની ડાયરીમાં એમનું નામ સૌથી પ્રથમ લખેલું હોતું.માપ એ કરાવતા અને પગાર પણ એમના હાથ માં આવતો. પગારના દિવસનો માહોલતો કંઇ ઓર જ હોતો...................આવી મુશ્કેલી ભરી સ્થિતિમાં પણ આ હિંમતવાન પ્રજાએ પોતાનો જીવન જીવવાનો જોમ અને જુસ્સો નહોતો  ગુમાવ્યો.
આજે નર્મદાનાં નીર આવી જતાં પરિસ્થિતિ બદલાઇ ગઈ છે,સુકાં ખેતરો ની જગ્યા એ હરીયાળી છવાઈ ગઈ છે.પરિસ્થિતિ બદલાઈ છે પણ લોકોએ પોતાની મહેનત બમણી કરી નાખી છે.પહેલી વખત આટલા વિશાળ પ્રમાણમાં પાણી જોઇને ખેડુઓએ પણ પોતાનું પાણી બતાવવાનું નક્કિ કરી નાખ્યું છે, રાત-દિવસ કે ઠંડી- ગરમી જોયા વગર સતત ૨૪ કે ૩૬ કલાક સુધી ખેતરમાં પાણી પાવાનું લોકો ચાલુ રાખે છે.
અત્યારે વાવ ની પ્રજા પાસે ગુજરાતની સરેરાશ પ્રજા કરતાં વિશેષ સોના-ચાંદી હોવાની પુરેપુરી શક્યતા છે.પોતે છાશ ખાઈ ને પણ બનાસ ડેરીને એશિયાની અવલ ડેરી બનાવી છે[આમાં સાલું ખુશ થાવુ કે..??]
વાવની મહેનતકશ પ્રજાએ પોતાના પરીશ્રમનો પરિચય જ્યાં ગઈ ત્યાં આપ્યો છે. ટોપલામાં ઘર લઈને મજુર કરવા જનાર લોકો એ આજે ૧૦/૧૨ વર્ષ  પછી પોતાના બંગલા શહેરો માં બનાવ્યા છે.પ્લાસ્ટર કામ કરવાશાઅહેર માં જનારા આજે સરકારી કોંટ્રાકટર છે.કોઇક ના તબેલામાં ગાયો-ભેંસો દોહનારાઓ આજે તબેલાના માલિક છે, અને ગાયો ભેંસો ની સાથે શોખખાતર અરબી ઘોડારાખે છે. ગામમાં જેને કોઈ પોતાની સાઈકલ ખેતરે જવા નહોતું આપતું એ લોકો  પોતાના શેઠને પુછ્યા વગર  ઓડી લઈ ને હાઈ-વે પર લટાર મારી આવે છે!!!!![મતલબ કે ગામ ની બહાર જઈ ને લોકોએ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે]
હું આજે જે આપને વાવની વાતો કરી રહ્યો છું એમાં થી આપને વાવને સમજવાની એક વિશેષ બાજુ મળશે.
વાવ પાલનપુરથી અંદાજિત ૧૦૨ કિમિ દૂર છે, લઘુબંધુ ઉપનામથી જાણીતા અને વાવને શૈક્ષણિક ક્ષમતા પ્રાપ્ત થાયએ માટે ભરપુર પ્રયાસ કરનાર,લોકનિકેતન સંસ્થાના સ્થાપક સ્વ. હરિસિંહજી ચાવડા સાહેબ જ્યારે અમારી સાથે એમનાં વાવ વિશેનાં સ્મરણો તાજાં કરતા ત્યારે કહેતા કે મારે કોઈ કારણસર આજ થી ૪૦/૪૫ વર્ષ પહેલાં વાવ ની મુસાફરી કરવાની થતી ત્યારે પાલનપુરથી એક માત્ર ખાનગી બસ વહેલી સવારે ઊપડતી અને ડીસાના દરેક ધોરે ફસાઈ જતી, ધોરો આવે લોકો નીચે ઉતરે ,બસ ને ધક્કો મારે, વળી બસ ચાલે, ધોરો આવે. આમ કરતાં –કરતાં સવારે ઊપડેલી બસ સાંજે વાવ પહોચે...... અને  આજે  !!!!! ચાવડા સાહેબને વાવ ની પ્રજા પ્રત્યે વિશેષ લાગણી હતી એની સાક્ષી પુરતી તસ્વીરો આજે પણ લોક્નિકનના સાંસ્કૃતિક ભવનમાં લટકી રહી છે.
વાવમાં એક કસ્ટમ રોડ આવેલો છે..{ હવે તો તમે મારી સાથેસાથે ચાલો છો, વાવ લખું એટલે સમજવુંકે એ આખા વિસ્તારની  હું અહીં  વાત કરી રહ્યો છું} આ કસ્ટમ રોડ અંદાજિત ૫૫ કિમિ લાંબો છે અને એ માવસરી થી સુઈગામને  જોડે છે, અત્યારે આ રોડ પર ચાલવાનો કે ગાડી ચલાવવાનો કોઈ કર લેવામાં આવતો નથી પણ અંગ્રેજો કે જમાને મેં હા ભાઈ એ જમાનામાં કર ઉઘરાવવા આ  રસ્તો હતો એટલે એનું નામ કસ્ટમ રોડ પડ્યું.  આ રોડ કિનારે અંગ્રેજ અધિકારીઓના બંગલા હતા, અહીં ગોરી મઢમો [મેડ્મ] સાથે અંગ્રેજો રહેતા,અત્યારે ભગ્ન અવષેશો રડ્યા-ખડ્યા છે.
આજે પણ બસમાં મુસાફરી કરનારા લોકો કંડકટર પાસે બંગલાની ટિકિટ માગે છે અને કશુ જ પુછ્યા વિના વેરાન જગ્યાને બંગલો ગણીને એમને ટિકિટ અપાવામાં આવે છે
કસ્ટમ રોડના કિનારે વસેલા ગામ[હ્મ્મ યાર જુના જમના માં ગામ નદી કિનારે વાસતાં પણ આધુનિક જમાના માં શહેરો નો વિકાસ હાઈ-વે કિનારે જ થાય છે] માવસરી,બરડવી,ગામડી,ચંદનગઢ,ચોથરનેસડા,રાછેણા,લોદ્રાણી, અસારા, ચતરપુરા,,,,,હવે  અહીં થી વાવ તાલુકો પુરો.
માવસરી- બરડવી ની વાતો મેં મારા કલ્સ્ટર લેખમાં લખી છે, એ આપ ને સમય મળ્યે વાંચવા મળશે. ગામડીની વાત બંગલામાં સમાઈ ગઈ...... હવે વાત કરવી છે ચંદનગઢની...














Comments

  1. જય જય ગરવી ગુજરાત, ૭૪૨ વાચકો એ આ લેખ વાંચ્યો... ગમ્યું..

    ReplyDelete
  2. ખુબ સરસ કાંતિલાલભાઈ અમરા જેવા યુવાનોને તમે આપડા વિસ્તરા ની જૂની પરિસ્થિતિ અને ખમીરવંતી પ્રજા વિશે ખુબ સરસ માહિતી આપી....આવી બીજી આપડા વિસ્તાર ની અનેક માહિતી ની અપેક્ષા

    ReplyDelete

Post a Comment