सालारजंग कि स्मृति

                             હૈદરાબાદ ભાગ ૫ [પુર્ણ]
                           લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર



 





              હવે અમને હૈદરાબાદ ફાવી ગયું હતું, કારણકે અમે ત્રણેય અંદરો-અંદર વાતો પણ હિંદીમાં જ કરતા હતા. હવે ભાત ખાવાના ફાવી ગયા હતા અને ચાની ચુસકી વાળી પ્યાલી બે વખત લેતા હતા. માર્ચ મહિનો  હતો માફક આવે એવી ગુલાબી ઠંડી પડતી હતી.
    હવે તો અમે ઘણી વખત હુસેન સાગર તળાવના કિનારે ફરીને ભગવાન બુધ્ધની મુર્તીને સારી રીતે જોઈ લીધી હતી.રાત્રે જઈને ચાર મીનાર રંગીન લાઈટના પ્રકાશમાં કેવો દેખાય છે એ પણ જોઇ લીધો હતો.એની બાજુમાં આવેલું વિશાળ બંગડી [કોઈ એ બંગડીના ઘોબા યાદ કરવા નહી] બઝાર મનમોહક હતું.ચારમીનારના થડમાં આવેલું ભાગ્ય લક્ષ્મીનું મંદિર હજી સ્મૃતિમાં  એટલું જ તાજુ છે.રાત્રે હૈદરાબાદના બઝારમાં ફરી એટલે એમા ન લાગે કે આપ કોઈ હિંદુસ્તાનના શહેરમાં ફરી રહ્યા છો....ખાણી- પીણી,બુરખા પહેરીને ફરતી બધી જ સ્ત્રીઓ,ઉર્દુ લહેકાઓ.....
      એક કેરાલિયન મિત્ર સતત પોતાના કેમેરા માં અમારા ફોટા પાડતો હતો, એણે છ રૂપિયા માં એ જમાના માં અમને CD બનાવીને આપી હતી. જે આજે અમારું સ્મૃતિઓ તાજી કરવાનું મુખ્ય સાધન છે.
    હવે તો અવતારસિંહના પંજાબી જોક્સ, આસામી મિત્રોનું બિહુ નૃત્ય,મરાઠીઓનો લાવણી ડાન્સ નો લાભ લઈ ચુક્યા હતા.મલયાલમ ભાષા બોલતી કેરેલિયન કૈલાશ અમારો ગુજરાતી ગરબો જોઈને  જ્યારે મળે ત્યારે ‘’તારક મહેતાની દયા ભાભી’’ ના જેમ ઠુમકા લેવા માંડતી હતી.
     એક દિવસ અમારી લક્ઝરી બસ કુતુબશાહી   ટોમ્બ જોવા ગઈ હતી. કુતુબશાહી   ટોમ્બએ હૈદરાબાદના સુલ્તાનોનું કબ્રગાહ છે, ગાઈડ અમને સમજાવતો હતો કે શબ ને કેવી રીતે  અહીં લાવવામાં આવતું અને એના પછી કેવી-કેવી વિધિ[સેરેમની] કરવામાં આવતી.વિશાળ સ્નાનગાર હતું. શબના સ્નાન માટે. કેટલાક ટોમ્બ તો મારી દ્રશ્ટીએ તાજમહલ કરતાં પણ મોટા હતા. અમુક સુલતાનતો જીવતા હોતા ત્યારેજ  પોતાની કબર એટલે કે ટોમ્બ તૈયાર કરાવી  દેતા. મને એ જ સમજાતું નથી કે શાને આવું થાય છે એ કાવ્ય જેવું આ જોઈને લાગ્યું............
        છ વાગ્યા પછી અમે અનોપચારિક રીતે જાતે ફરવા માટે જતા ત્યારે મેં ઘણી બધી ગરીબ સ્ત્રીઓને  લાઇનસર બેસીને સસ્તો દારૂ પીતી જોઈ હતી.હતું ભારતનું સિલિકોન વેલી પણ આ એની બીજુ રૂપ હતું.અમારું રહેઠાણ ધનાઢ્ય વિસ્તારમાં હતું.અહીં નવી બંધાતી બિલ્ડીંગને ચારે બાજુથી પતરાં અથવા કાપડથી ઢાંકીને કામ કરવામાં આવતું, એના બે કારણ હોઈ શકે એક  તમારી બિલ્ડીંગ ની ડિઝાઈનને ચોરી ન થાય  અને બીજું કારણ આસપાસનાં મકાનોને રંગ,સિમેંટ કે પાણીના છાંટા ન ઊંડે.
     એક દિવસ અમે સરદાર વલ્ભભાઇ પટેલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.આ રસ્તો એરર્પોટ તરફ જતો હોવાથી એની બંને બાજુ ઘણી બધી એરલાઈંસની ઓફિસો હતી.અમે વિચાર કર્યો કે ચાલો કોઈ સસ્તી વિમાન ટીકિટ મળી જાય તો ઝડપથી ઘેર તો જઈ શકાય.બીજી બાજુએ પણ હતી કે ચાર- પાંચ દિવસ થઈ ગયા હોવાથી ઘર પણ યાદ આવવા લાગ્યું હતું.ત્રીજી  બાબત એ પણ હોઈ શકે કે આવતી વખતે જનરલ ડબ્બાની પાટલીઓ યાદ આવી ગઈ હોય!!!!
          જેટ એરવેઝ, ઇંડિગો આ બે ઓફિસો ની મુલાકાત લીધી. હૈદરાબાદથી અમદાવાદ આવવા માટે ફ્લાઈટ તો ઘણી બધી હતી પણ  છ હજાર ઉપર નું ભાડું સાંભળીને વિમાનમાં બેસવાનો વિચાર માંડીવળવાનું મન થાતું હતું.છેલ્લી ઓફિસ ઇંડિયન એરલાઈંસની હતી એમાં આગળની બે કરતાં ભાડું ઓછું હતું, અમે ટિકિટ લેવાની તૈયારી કરી એવામાં વીજળી ગુલ.... પંદર મીનીટ બેઠા પણ વીજળી રાણી આવ્યાં નહી. પહેલી વખત વિમાનમાં બેસવાના અભરખા પર પાણી ફેરવીને અમે બંઝારા હિલ્સ પરત ફર્યા.
   ભારતમાં ઘણા બધા મ્યુઝીયમ છે  પણ સાલારજંગની બરાબરી કરે એવું ન હોઈ શકે.જબરજસ્ત છે આ મ્યુઝીયમ જોવું એ જિંદગી નો લ્હાવો છે.સોળ થી અઢાર વર્ષના યુવાનને આ મ્યુઝીયમ બતાવવામાં આવ્યું હોય તો એની કલ્પના શક્તિ, સમજ શક્તિ અને જ્ઞાનનામાં વધારો થવાની ભરપૂર શક્યતા રહેલી છે.દરેક વિભાગના અલગ- અલગ ખંડ આવેલા છે એક ખંડ સારી રીતે જોવો હોય તો ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાક થાય આવા પાંત્રીસ કરતાં વધુ ખંડ આવેલા છે.રમકડાં થી કરીને શિલ્પકલા સુધીના વિભાગ આવેલા છે. મ્યુઝીયમ વિશે વધારે એટલા માટે નથી લખતો કારણ કે મને વિશ્વાસ છે આપ રૂબરૂ જઈને એને જરૂર જોવાના છો.....!!!
   એના પછીના દિવસે ફરી થી વિમાન યાદ આવ્યું. અમે બેગમપટ્ટ વિસ્તારમાં ફરતા હતા ત્યાં અમને સ્પાઈસ જેટ ની ઓફિસ મળી ગઈ. કિસ્મત ખુલી ગયા કારણ કે અવેલેબલ સીટ અને સસ્તુ ભાડું[ એમ ન કહેતા હો સસ્તુ ભાડુ6 ને સિધ્ધ્પુર ની જાત્રા] આ બંને અમને એક જ જગ્યા એથી મળી ગયા.
   વિમાનની ટિકિટ મળવાની ખુશી હતી તો એક નવો પ્રશ્ન પણ અમારા માટે ઉભો થયો. રેલ્વેની રિર્ટ્ન ટિકિટ અમે કરાવી નાખી હતી જેને કેંસલ કરાવવાની થાતી હતી... નહીતર પૈસા જાય.
  આ ટિકિટ કેંસલ કરાવવાને જવાબદારી મારા પર આવી. પરિચિત રેલ્વે સ્ટેશને પહોંચીને લાઈનમાં જોડાયો. સિંહ અને એસ.પી. બજાર બાજુ ગયા. લાઈન ખાસી લાંબી હતી મારો વારો  આવ્યો એટ્લે રેલ્વેની યુવાન સ્ત્રી કર્મચારી તેલુગુ ભાષામાં તડાફડી કરવા લાગી મને ખબર પડી ગઈ કે એ શું કહેવા માગે છે પણ મેં ગુજરાતી માં હાંકેયે રાખ્યું, એ એમ કહેવા માંગતી હતી કે તું ત્રણ ટિકિટ લઈને કેમ આવ્યો છો? ત્રણેય જણે આવવું જોઈએ. મને ગુજરાતીમાં બોલતો જોઈને એણે એમ ધારી લીધું કે આ નહી સમજે પછી ફટાકા સાથે મારા હાથ માંથી  ટિકિટ ખેંચીને ઝડપથી પૈસા પરત આપ્યા.
  એ પછીના દિવસે અમે હૈદરાબાદથી બાવીસેક કિમિ દૂર રામોજીરાવ ફિલ્મસિટી જોવા ગયા. હોલીવૂડ સ્ટાઈલથી બનાવેલી આ રામોજીરાવ ફિલ્મસિટી મારી કલ્પના થી તો ઘણી આગળ અને સુંદર હતી. હૈદરાબાદ મને એટલું બધું ગમી ગયું કે એની મુલાકાત મેં બીજી વખત  મારા ભત્રીજા કરસનભાઇ પરમાર અને લગધીરભાઇ ઠાંસ ટડાવ વાળા  સાથે ફરી થી લીધી હમણાં જ દોઢ વર્ષ પહેલાં.
      રામોજીરાવ ફિલ્મસિટી પહાડીઓથી ઘેરાયેલા કુદરતી  વાતાવરણમાં આવેલી છે. ફિલ્મ કે ટી.વી. સિરીયલ બનાવવાની સંપૂરણ સગવડ આ એક જ જગ્યાએ મળી રહે છે.સુંદર રસ્તાઓ, બેન્મૂન સ્ટેચ્યુ, થ્રીડી ફિલ્મ, હોટેલ,મુઘલ ગાર્ડ્ન,ગામડા અને શહેરનું બાંધકામ............... બધું અદ્ભૂત.....બે હજાર  એકર કરતાં વધુ વિસ્તાર માં ફેલાયેલા આ રામોજીરાવ ફિલ્મસિટીમાં ઇટીવી નો પ્રસારણ વિભાગ પણ આવેલો છે. આખા રામોજીરાવ ફિલ્મસિટીમાં ફરવા  માટે સ્પેશિયલ એમની અલગ ડિઝાઇન વાળી બસ છે.
    અને આખીર આ હી ગયા વિદાઇ વાલા દિન.....!!
ભારી લાગણીવશ થઈ જવાય એવો એ દિવસ હતો. બાલન સર એ વિદાય ભાષણ આપ્યું.ઘણા બધા મિત્રોના આંખોના ખુણા ભીના થયા, એક મિત્રતો આવીને બધા  ખાસ કરીને ગુજરાતી મિત્રોને ચુમીઓ ભરી ગયો.બાર-તેર દિવસથી સાથે હતા પણ જાણે બાર-તેર મહિના સાથે રહીને છુટા પડતા હોઇએ એમ લાગતું હતું.ચૌદમી માર્ચ બે હજાર છ બપોરે સવા બાર આસપાસ અમે કામરાજ ડોમેસ્ટીક એરર્પોટ પહોચ્યા. અમારું વિમાન એક ને પચાસે હતું. કડક સિક્યુરીટી ઘેરા અને અમારા કાગળ તપાસ્યા પછી અમને અંદર જવાની છુટ આપી. મુખ્ય ગેટથી વિમાન સુધી પહોચવા માટે દોઢ સો મીટર ચાલવાનું હતું પણ કંપની એ એટલા માટે પણ લક્ઝરી બસની વ્યવસ્થા કરી.
     એક કલાક અને દશ મીનિટ ની પ્રથમ હવાઈ સફર કરવાનો ખુબ જ આનંદ રહ્યો. વિમાનમાં થી પૃથ્વીને જોવી એ પળ અદ્ભૂત....ખંભાત નો અખાત, અમદાવાદ- વડોદરા એક્ષપ્રેસ વે, વાવેલાં અને વાવેતર વિનાનાં ખેતર આરામ થી જોઈ શકતાં હતાં.
     હૈદરાબાદ થી   અમદાવાદ સુધી  પહોચતાં એક કલાકને દશ મીનીટ થઈ પણ એરપોર્ટ થી ૧૫૩ નંબર ની સીટી બસમાં બહેરામપુરા પહોચતા બે કલાક થયા.
   આ જીવન એક પ્રવાસ જ છે, આપનો પ્રવાસ પણ સુખરૂપ રહે એવી અભ્યર્થના.   ‘’મિલતે રહેંગે ઇસી બ્લોગ પર”
                         લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                         પ્રવાસ કર્યા તારીખ: પહેલી માર્ચ થી ચૌદમી માર્ચ બે હજાર છ.
                  લખ્યા તારીખ: ૨૭/૦૧/૨૦૧૭
                 સમય: રાત્રે ૧૦.૫૮


   

        

Comments

Post a Comment