ગુજરાતી હોવાના ફાયદા

              ગુજરાતી હોવાના ફાયદા
                  [હૈદરાબાદ ભાગ-૪]
                લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર



             સવારના દશ વાગ્યા આસપાસ અમે સિકંદરાબાદ  રેલ્વે સ્ટેશને ઉતર્યા.[ હૈદરાબાદ ને પોતાના નામનું રેલ્વે સ્ટેશન જ નથી] પુરા પચ્ચીસ કલાકની મુસાફરી પછી. થાક પણ હતો અને આનંદ પણ એટલો જ, થાક એમ હતો કે  રેલ્વેની આટલી લાંબી મુસાફરી પહેલીવારની હતી અને આનંદ એ બાબતનો હતો કે  દક્ષિણ ભારતના ઐતિહાસિક શહેરમાં  પહેલીવાર આવતો હતો.
ઉતરતાં સાથે પહેલું કામ અમે રીટર્ન ટિકિટ બૂક કરાવવાનુ કર્યું, સ્ટેશનની બહાર આવીને બનઝારા હિલ્સ તરફ જતી સીટી બસ માં બેઠા,અમારી ત્રેણય મિત્રોની વાતો પરથી બસના કંડકટરે અમને બે ત્રણ વખત મોટા ભાઈ કહી ને બોલાવ્યા, આના પરથી કહી શકાય કે અહીં ગુજરાતીઓ પ્રવાસી તરીકે ઘણા બધા આવતા હશે, અને  કંડકટરનો એમની સાથેનો અનુભવ સારો હશે...... જય જય ગરવી ગુજરાત... એમને એમ કાંય નહી ગાવામાં આવ્યું હોય.. જયાં જયાં વસે એક ગુજરાતી...
બનઝારા હિલ્સ પહોચ્યા પછી થોડીવાર માં એક સફેદ કાર આવી હતી જેના પરા ગુજરાતીમાં જય રણછોડ લખેલું વાંચી ઘરના બનાવેલ ફાફડા- ઝલેબી ખાતા હોઈએ એવો અનુભવ થયો હતો.એ  ગાડી માંથી તોરલ પટેલ નામ ધરાવતાં શિક્ષિકા ઉતરેલા. એ ખેડા જિલ્લાના હતા અમારી સાથે જ સી.સી.આર.ટી[સેન્ટર ફોર કલ્ચરલ રિસોર્સ એન્ડ ટ્રેનિંગ] માં રહેલાં, પછીના સમયમાં અમારી મિત્રતા ગાઢ બનેલી.
 અગિયાર વાગ્યા આસપાસ અમારી હાજરી પુરવામાં આવેલી જેમાં એક ખેડા ના શિક્ષકમિત્રને તો પરત ઘેર મુકી દીધેલ.મારો વારો આવ્યો એટલે મને પણ વોર્નીગ આપવામાં આવી કે શાળાના સહી-સિક્કા સાથે નો કોઇ પત્ર મંગાવ્યો. મારાં નસીબ સારા હતાં કે મારે ધોયેલા મુળાની જેમ પરત ના ફરવું પડ્યું. મેં બહાર આવી ને એસ.ટી.ડી માંથી ટડાવ કિરણભાઈને ફોન લગાવી જરૂરી સુચના આપી,કિરણભાઈએ આચાર્યશ્રી મુળજીભાઇ પાસે એવો લેટર લખાવી ને મેં આપેલા નંબર પર થરાદ આવી ને ફેક્ષ કરી દીધો.
 ઓફિસ તો  એ વાત  ભૂલી જ ગયેલી કે અમે કોઈને વોર્નીગ આપેલી છે, બે કલાક પછી એક ભાઈ આવ્યો કે ઓ ભૈયા એ ગુજરાત વાલે કોન હે.. ઉનકા કોઇ ફેક્ષ આયા હે. મેં જઈ ને સમજાવ્યા એટલે કે કોઇ બાત નહી,ઇતના કોઇ જરૂરી નહી થા...ઓહ ગોડ, શ્વાસ અધ્ધર કરી નાખ્યા હતા અને હવે કે’’ ઇતના કોઇ  જરૂરી નહી થા................’’
અહીં બે માળના વિશાળ મકાનમાં અમે એંસી જેટલા મિત્રો તાલીમાર્થી તરીકે જોડાયા હતા.જમ્મુ- કાશ્મીર,પંજાબ,રાજ્સ્થાન,ઉત્તર પ્રદેશ, આસમ, મણિપુર,તમિલનાડુ,મહારાષ્ટ્ર,કેરલ, આંધ્રપ્રદેશ આટલા રાજ્યના મિત્રો તો મને યાદ છે મારી ધારણા પ્રમાણે ચૌદ રાજ્યોના મિત્રો અમારી સાથે હતા.આમાંથી ગુજરાતના અમે અગિયાર મિત્રો હતા, ત્રણ અમે બનાસકાંઠાના અને બાકીના ખેડાના.
 અમારે જે મકાનમાં રહેવાનું હતું તે બે માળનું હતું.ઉપરના માળે અમારે રહેવાનું હતું, બાજુમાં બાલાન સર ની ઓફિસ હતી. નીચેના માળે એટલે કે ભોંયતળિયે તાલીમ  માટે નો હોલ અને એની જમણી બાજુ રસોડું.ત્રણ માળના સુવા માટેના પલંગ હતા.
બીજા દિવસે સવારે ચા પીવા રસોડામાં ગયા, મારી બાજુમાં અવતારસિંહ હતા, જેઓ પંજાબમાં ડાયટના લેકચરર હતા.ચા ના પ્યાલા નાના હતા તો પ્યાલો હાથમાં લઈને બોલ્યા: ઓ ભૈયા જી એ ચખણે કે લિએ દી હે ક્યા?.....અમારી અહીંની વાવ-થરાદ ની હોટલમાં જો પંજાબની ટ્રક હોય તો એના ડ્રાઈવરને મોટો ગ્લાસ ભરીને તમે ચા  આપો તો જ એનો ડોળો ડુબે.
ખાવામાં ભાત ખુબ જ  વપરાય. મારી ધારણા પ્રમાણે હૈદરાબાદથી પરત આવ્યા પછી મે વજન માપ્યું તો ન હતું, પણ જો માપ્યું હોત તો  કમ સે કમ ચાર- પાંચ કિલ્લો ઘટ્યું હશે. જ્યારે બેહજાર નવમાં  હું જયપુર  પંદર દિવસ માટે ગયો હતો ત્યારે મારું વજન લગભગ છ થી સાત કિલ્લો  વધી ગયું હતું.વાતવરણ તો બન્ને શહેરનાં મને માફક જ હતાં પણ ભોજનનો ફરક.
 સવારે નવ થી બપોરે એક સુધી તાલીમ હોતી એના પછી ભોજન અને બપોર પછીના સમયે શહેર ભ્રમણ નો પ્રોગ્રામ હોતો.બે લક્ઝરી બસ અને સાથે ગાઇડ હોતો.
અમે ગોલકોંડા ફોર્ટ જોવા ગયેલા, ભારતના જોવાલાયક કિલ્લા માં નો એક. કિલ્લામાં પ્રવેશતાં જ જમણી બાજુના ભાગમાં એ સમયની વહીવટ માટેની કચેરીઓનુ બાંધકામ હજુ પણ અકબંધ જોવા મળ્યું. એ કચેરીના પ્રાંગણમાં  એક વજનદાર  લોખંડનો ગઠ્ઠો પડ્યો હતો, ગાઈડ અમને સમજાવતો હતો કે એ સમયે સુલતાનના લશ્કરમાં ભરતી થવા માટે આ એકમાત્ર પરીક્ષા હતી, જે યુવાન વ્યક્તિ આવીને આ ગઠ્ઠો પોતાના હાથથી ઊંચો કરી બતાવે તે સુલતાનનો  સૈનિક.
  કહેવાય છે કે ગોલકોંડાની  હીરાની ખાણમાંથી કોહીનૂર મળેલો અને ઘણા લાંબા સમય સુધી અહીં ની કચેરીઓ ના ટેબલ પર યોગ્ય ઝવેરી વિના પડ્યો રહેલો.... કોહીનૂરની ગાથા અને પ્રવાસ બહુ લાંબો. કોહીનૂર હાલ બ્રિટેનના મહારાણી ના તાજ માં ઝડાયેલો છે.
 ચાર સો વર્ષ પહેલાનાં સમય નું કોમ્યુનિકેશનનું ઉદાહરણ ગોલકોંડાના કિલ્લામાં જોવા મળે છે, કિલ્લાના મુખ્ય દરવાજા ના ગુબંજ નીચે ઉભા રહીને તાળી પાડો તો એનો અવાજ છેક  સાડા ચાર સો મીટર ઉપર આવેલા મહેલમાં સાંભળી શકાય... હાલ પણ હો.
કિલ્લા ઉપરેથી હૈદરાબાદ-સિકંદરાબાદ નો નજારો જોવો એ એક લ્હાવો હો. કિલ્લામાં થોડા ઉપર જઈએ એટલે એક પ્રાચીન કારાગૃહ આવે, એ એક દંતકથાનો સાક્ષી છે.કહેવાય છે કે આ ઝેલમાં એક ગામડાના  નાના મહેસુલ અધિકારીને પુરવામાં આવ્યો  હતો, એનો ગુનો એ હતો કે એણે મહેસુલની રકમ રાજની કચેરીમાં જમા કરાવવાના  બદલે એણે એ ગામમાં એક  મંદિર બંધાવી દીધેલ, રામ અને લક્ષમણનું.
 રાજના અધિકારી ને આની ખબર પડતાં એને આ ઝેલમાં પુરવામાં આવેલ. ઝેલ ની દિવાલો પર આ મહેસુલ અધિકારી એ મુર્તિઓ કોતરેલી. આ મુર્તિઓ હાલ પણ જોઈ શકાય છે.પછી કોઈ ચમત્કાર થવાથી સુલ્તાનને સપનું આવ્યું અને એને આ કારાગૃહ માંથી છોડી મુકવામાં આવેલો.
કિલ્લો ઉતરતાં  છેલ્લે અમિતાભ બચ્ચનના અવાજમાં સો એન્ડ સાઉંડ જોવાલાયક છે, અમિતાભ બચ્ચનના અવાજમાં ગોલકોંડા નો ઇતિહાસ સાંભળવો એ  અવિસ્મરણિય મોમેંટ છે.
બીજા દિવસે અમારી ત્રિપુટી બઝાર ભ્રમણ માટે નીકળી, ભદ્રસિંહ ના bsnl  મોબાઈલના રિચાર્જ માટે અમે દુકાન શોધતા હતા.” હિંદી કોઈ સમજે નહી અને અંગ્રેજી એટલું ફાવે નહી” એવી અમારી પરિસ્થિતિ. આવી દુર્ગમ કહી શકાય એવી પરિસ્થિતિ માંથી રસ્તો કાઢીને અમે એક દુકાનમાંથી રિચાર્જ કાર્ડ લઈ આવ્યા.
અમારા રૂમ પર આવીને કાર્ડ  સ્ક્રેચ કરીને રિચાર્જ ની રકમ મેળવવાની ભરપૂર કોશિશ કરી,  ગ્રાહક કાળજી લાઈનો[કસ્ટ્મર કેર] પર પણ બહુ લાંબી વાતો કરવા છતાં પણ રિચાર્જની રકમ મળી શકી નહી.
એ પછીના દિવસે અમે જે દુકાને થી કાર્ડ ખરીદ્યું હતું ત્યાં જવાનું નક્કિ કર્યું,અજાણ્યુ શહેર, અહીં આપણને કોણ જવાબ આપશે ?એમ અમે વિચારતા હતા, બસો દશ રૂપિયા પડી ગયા એમ વિચારીને વાત પૂરી કરવા માંગતા હતા, પણ મેં કહ્યું ચાલોને એ બહાને બઝારમાં એક ઘૂમરો તો મારી આવીએ.વાવ-થરાદની બઝારની તો  ટેવ હો કામ ન હોય અને આવી ગયા હોઈ એ તો એકાદ ઘૂમરો લગાવીને જ ઘેર જવાનું.
હતી એ ને એ દુકાને પહોચ્યા, દુકાનમાં બહુ ભીડ ન હતી.અમે અંદરો-અંદર વાતો કરતા- કરતા દુકાનમાં પ્રવેશ્યા, એટલે દુકાનના થડા પર બેઠેલી મુખ્ય વ્યક્તિ ખુરશી પરથી ઉભી થઈ ને અમને ગુજરાતીમાં આવકાર્યા.એણે ગુજરાતી માણસો મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો. અમારી વાત સાંભળીને તરત જ કાર્ડ પરત લઈ લીધું અમને પૂરી રકમ પરત કરી ને પાછી   હૈદરબાદી ચા પાવી. ગુજરાતી હોવાનો ફાયદો........!!!
      ચાલો મિત્રો ફરી મળીશું, અભિપ્રાય આપશો તો ગમશે.
આપ મારો બ્લોગ વાંચો છો એનો આનંદ છે.
  લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
લખ્યા તારીખ: ૨૬/૦૧/૨૦૧૭
 સમય:રાત્રે ૯.૨૪

Comments

Post a Comment