hali
ઘણા સમય થી આપણે આ બ્લોગના માધ્યમથી જોડાયેલા છીએ , કેટલાક
વાચક મિત્રોના મન માં પ્રશ્ન થાતો હશે કે હું
દર વખતે મારા વિસ્તારની જ વાત કરું છુ, પણ શું કરું મિત્રો.... મારા
વિસ્તાર સિવાયનું ઘણું બધુ આપણને ગૂગલ પરથી
મળી શકે એમ છે.ફક્ત મારા વિસ્તારનું જ ગુગલ પર નથી યા તો બહુ જ ઓછું છે , જેની
પુરતતા કરવાનો મારા થી થાતો પ્રયાસ કરું છુ.
હવે આપણે વાત કરું મારા વિસ્તારની....
મારો વિસ્તાર એટલે કે હું ઉત્તર ગુજરાતના બનાસકાંઠા
જિલ્લાના વાવ તાલુકાનો વાતની છુ.વાવ તાલુકો બહુ બૃહદ હતો , હવે તો
તાલુકાઓનું વિભાજન થઈને બીજા નવા બે તાલુકા
બન્યા છે.પ્રથમ ભાભર અને બીજો સુઇગામ.
મારો વાવ તાલુકો થરપારકરના રણ ને
રોકીને બેઠો છે. રણ ને રોકવાની ક્ષમતા પરથી આપ સમજી શક્યા હશો કે એ કેટલો હિમ્મતવાન
હશે? રણ ને રોકવાની સાથે – સાથે
જેઠ મહિનાના એટલે કે મે મહિના ના ગરમ પવનો નો સૌ પ્રથમ સામનો અમે કરી એ છીએ.
અહી નર્મદા મૈયાનાં નીર આવ્યા ન હતા
ત્યારે ખેતી ફક્ત વરસાદ આધારીત હતી ,માણસો આઠ માસ બિલકુલ ફ્રી.આ નવરાશની
પળ નો લોકો ખૂબ સદ્પ્યોગ કરતા.ખેતરના શેઢે અને ‘ ચરેડા’ માં છીપડો
બહુ થાતો આ છીપડો જેમ ઉનાળાની ગરમ હવા વાય એમ કુમાશ ધારણ કરતો એવો છીપડો માણસો દાતરડાથી
કાપીને ઘેર લાવતા, પછી એમાંથી નોળિયાં વાટતા . એ નોળિયાં નો ઉપયોગ સાંપડ ભરવામાં થાતો, કેટલાક
નોળિયાં ના વાટા કરીને ઠંડા પાણીનાં માટલાં મૂકવાના વાટા થાતા. નોળિયાં એ રીતે વાટવામાં
આવતાં કે જેનાથી છીપડાની મજબૂતાઈ વધી જાતી.
અત્યારે તો કડા એટલે કે દરવાજા
લોખંડના થઈ ગયા એ સમયમાં ઝાંપા તૈયાર કરવા માટે પણ નોળિયાં નો ભરપૂર ઉપયોગ થાતો. સતત
એસી માં રહેતા આજના કોઈ પુરુષ પાસે જો બરછટ છીપડા માંથી નોળિયું વટાવ્યું હોય તો આખા હાથની ચામડી
ઉતરી જાય. એ સમયમાં કેટલાક મજબૂત માણસો બપોરે ‘પરસ’ કરતાં
–કરતાં દસ કરતાં વધારે નોળિયાં વાટી ને ચાલ્યા જાતા.
એ સમયે ગામડાં માં ‘હાળી’ પ્રથા
હતી , હાળી પ્રથા એ એક પ્રકારની ગુલામી જ હતી, ગામડાનો
કોઈ મોટી ખેતી ધરાવતો ખેડૂત એનું ખેતીનું અને ઘરનું કામ સરળતાથી થાય એ માટે પોતાના
ગામ અથવા આસપાસના ગામમાંથી કોઈ ગરીબ ખાસ કરીને અપરણિત પુરુષને વાર્ષિક ઊચક રકમ આપીને
મજૂરી કામ માટે રાખી લેતો.
હાળીને બધા જ પ્રકારનાં કામ કરવા
પડતાં. ચાલો હું તમને એની એક દિવસીય દિનચર્યા બતાવી દઉં.
સૌ પ્રથમ હાળીએ સવારે ચાર વાગ્યા
કરતાં વહેલા જાગી જવું પડતું.ત્યારે ઘડિયાળો ના હતી એટલે જ્યારે હાળી જાય ત્યારે એને
ખેડૂત કહીને જ ઘેર મૂકતો, “ અલ્યા સવારે
તારોડિયું ઊગે એટલે ખેતરે થી ભારો લઈને આવતો રહેજે.” તારોડિયું
એટેલે પૂર્વ આકાશમાં ‘શુક્ર’ ઉગવાનો સમય.એ લગભગ વહેલી સવારે
સાડાત્રણ થી ચાર આસપાસનો સમય કહેવાય.
દિવસ ઉગતાં સુધીમાં તો હાળી લગભગ બે
ભારા ખેતરે થી લાવી દેતો.’ભારા’ ઘાસના લાવવામાં આવતા. બે ભારા પછી હાળી માટે નાસ્તાની વ્યવસ્થા
થાતી.નાસ્તા માં સો ટકા ખાટી છાશની સાથે આગળના
દિવસે રાંધેલી ઘેંશ આપવામાં આવતી.
બ્રેક-ફાસ્ટ પછી વળી એક ભારો હાળી
લઈને આવતો , આ સમયે એ જ્યારે ઘેર આવતો ત્યારે ખેડૂતનું માઢ કે ઢાળિયું જેમાં
ગામના લોકો એક સાથે બેસીને કસુંબો કરતા હોય એ સમયે તારાછારીયા નામના ઘાસનો મોટો ભારો
લઈને હાળી ગામ લોકોની પાસેથી ધમધમતા હાથીની જેમ નીકળે એટેલે બીજા ગામ લોકો યજમાન ખેડૂતનાં
વખાણ કરતા, “ બાપુ આ સાલ તમે હાળી ઠાઉકો ગોતયો હો”
બપોરે ઘરના લોકો આરામ કરતા હોય ત્યારે
હાળીએ નોળિયાં વાટવાના ....સાંજે સાંઠીયા નો
ભારો લાવવાનો , ગમે તે કામ ગોતવાનું પણ હાળી આખો દિવસ નવરો ના રહેવો જાઈએ.
આવી ગુલામીઓ માંથી મુક્તિ અપાવનાર આઝાદીને
શત-શત નમન.
એનાથી પણ વિશેષ નમન બાબા સાહેબ આંબેડકર જી ને જેમણે ભારતને સંતુલિત બંધારણ આપ્યું, જેના
લીધે આ દેશ આજે આટલો આગળ વધી શક્યો.
જય ભીમ, જય ભારત, જય જગત
લેખક: કાંતિલાલ રૂપાભાઈ
પરમાર
20મી જૂન 2018 , બપોરે
1.35

જય ભીમ
ReplyDeleteજય ભીમ
Deleteજય ભીમ
ReplyDelete