rasto
રસ્તો
હરીપુરા
જેવા નાના ગામડામાં જન્મ થવાના લીધે બાહ્ય દુનિયા સાથે બહુ મોટી ઉમરે પનારો પડ્યો, દસ કે અગિયાર વર્ષનોહતો ત્યારે
સૌ પ્રથમ અમારી શાળામાં પહેલી વખત વર્તમાન
પત્ર જોયેલું. એ પહેલા અખબારના ફોટાઓ આજે પણ મારા મગજમાં એવાને એવાજ
પડ્યા છે. એફોટા યાદ રહેવાનુ કારણ એ
સમયનાં આપણાં પ્રધાનમંત્રી શ્રીમતી ઈંદિરાગાંધીની હત્યાના સમયના હતા. પ્રધાનમંત્રી પણ કોઈ હોય છે એવીસમાજ આ અખબાર જોયા પછી સમજ પડી.
આજનાં બાળકો આટલી ઉમરે તો એમાંની
ઉમર ગુણ્યા દસ કરીએ એટલા તો ઇંગ્લિશ પિક્ચર જોઈ લીધા હોય છે.
એના પછી અમે હિન્દી ભણવાનું ચાલુ કર્યું , જેમાં “ લાલ બહાદુર શાસ્ત્રી જી ” વિષે એક પાઠ ભણવાનો આવતો જેમાએ બાબત આજે
પણ યાદ રહી ગઈ કે એમને અભ્યાસ કરવા માટે બાજુના ગામમાં જાવું પડતું એમાં મોટી
મુશ્કેલી એ હતી કે વચ્ચે નદી આવતી આ નદી શાસ્ત્રી જી દરરોજ તરીને પાર કરતાં અને પછી ભણવા જાતા એ પાઠ
પર થી સમજ પડી કે મોટી મુશ્કેલી હોયતો પણ સારી રીતે અભ્યાસ કરવો. મારા અને મારા
હરિપુરાના સાથી મિત્રો માટે મુશ્કેલી એ હતી કે હરીપુરા થી ટડાવનું અંતર લગભગ છ કિમી હતું,પાકો રસ્તો હતો નહીં ને ફક્ત પગદંડી હતી. ટડાવ નજીકનો જે શેર હતો એમાં એકફૂટ કરતાં વધુ રેત વાળો માર્ગ હતો આવા રસ્તામાં
અમે બધા સવારે અને સાંજે ચાલીને જતા. એપ્રિલ મહિનામાં શાળા સવારની થઈ જાતી ને
અમારી મુશ્કેલીમાં એક હજાર ઘણો વધારો થઈ જાતો. મુશ્કેલી એ થાતી કે સુરજ નારાયણ સવા
પહોર ચડ્યા પછી ભરપૂર ગરમ સીધાં કિરણો જાણે ફક્ત
અમારા હરીપુરા- ટડાવના રસ્તા પર જ નાખતા એવું
લાગતું , એનું મોટું કારણ એ હતું કે અમારા માંથી કાઈને પણ પગમાં પહેરવાનાં પગરખાં ન હતાં.
અમારી મિત્ર ટોળીની સંખ્યા લગભગ દસ –બાર ની હતી. સાડા આગિયારે અમે શાળા માંથી નીકળીને પાણીના ટાંકે ન ભાવે તો પણ દાબી ને પાણી પી લેતા. કારણ કે વચ્ચે ક્યાંય પણ પાણી નો સ્ત્રોત ન હતો.
રસ્તા પર આવી ને સૌ પ્રથમ અમે હનુમાન જી ને પ્રિય એના કરતાં પણ અમને વધુ ગમતો આકડો
શોધતા.”આકડે મધ” એ કહેવત ની તો અમને બહુ મોડી ખબર પડી. અમે મધ માટે આકડો નહોતા શોધતા પણ જે આકડા નાં પાન મોટાં એ તોડી ને પછી એને પગ થી સરખાવતા ,પગના
માપનું પાન હોય તો પછી છીપડો શોધતા એની વાયર જેવી સોટી કાપીને પછી આજે જેમ મોઘા સ્પોર્ટ્સ બૂટ ની દોરી બાંધી એ રીતે પગને બાંધી ને ગરમ લાય રેતી પર ડોટ મુક્તા. એક દોટ કદાચ સો એક મીટર ની હોતી હશે એટલી વારમાં તો અમારા આકડાના પાન કોઈ નબળો કોંટાકટર [કંટ્રાતિ ] રોડ બનાવે ને તૂટી જાય એમ તૂટી જાતાં.
સાડા અગિયાર વાગ્યાના નીકળેલા ત્રણ વાગ્યા પછી ઘેર
આવતા...............વહેલી શાળાઓ વિષે આજે પણ વિચારવા જેવુ છે, નર્મદા ની નહેર આવી જાવા ના લીધે આપણા વિસ્તારના મોટા
ભાગના લોકો ખેતરોમાં રહેવા માટે ગયા છે એમનાં બાળકો કઈ રીતે ઘેર પહોચતાં . મે એક સમાચારમાં ફોટો જોયો હતો કે
જાપાનમાં એક બાળકી માટે આખું વર્ષ ટ્રેન ચલાવવામાં આવી હતી , જેથી કરીને એ સમયસર શાળા એ જઇ શકે. અમારી ભલે કોઈએ ચિંતા ન કરી પણ હવે કોઈ બાળકના ભાગે દર્દ આવવું જોઈએ નહીં.
લેખન કાંતિલાલ રૂપાભાઈ પરમાર
૧૯ મે ૨૦૧૮
રાત્રે ૨૩. ૩૦

Comments
Post a Comment