વ્હાલી ધરતી કચ્છની ધરતી
                કાંતિલાલ પરમાર
       ઓક્ટોબર 2018 નું પ્રથમ અઠવાડિયું પૂના,સોલાપુર અને અક્કલકોટ પ્રવાસમાં પૂરું થયું.પાલનપુર આવીને  હજી તો પૂરો  આરામ પણ કર્યો  ન હતો ને આયોજન થઈ ગયું કચ્છ જવાનું. થેલાઓ અને બગલ થેલો ફટાફટ પેક થઈ ગયા, સૂકી ભાજી વાળા નાસ્તાઓ તૈયાર થઇ  ગયાને  ગાડી નીકળી પડી નેશનલ હાઇવે સત્યાવીસ પર સતત ત્રણસોને પંદર કિમી આ જ રોડ પરા અમારે પ્રવાસ કરવાનો હતો.
       નેશનલ હાઇવે વાળા ટોલ ટક્સ લઈને ખિસ્સું હળવું કરે પણ ગાડી ચલાવવા ની મજા તો  અહી જ આવે.એમાય ક્ચ્ક એટલે ઢોર કે રોઝ નો પણ ત્રાસ બિલકુલ નહીં.
       આડેસર સિવાય ક્યાંય તમને સ્પીડ બ્રેકર પણ જોવા ન મળે.વીસ ટ્રક પાર કરો તો એકાદ કાર જોવા મળે , ખાસ ટ્રાફિક પણ નહીં.ગાગોદર નો પ્રાચીન ગોળ નાનકડો કિલ્લો આપ ગાડીમાં બેઠા- બેઠા જ જોઈ શકો. ગાગોદર નું જય ભીમ નું બોર્ડ જોઈને  તમને આપો આપ જય ભીમ બોલવાનો જીવ થઈ , રાધનપુર વટાવીને એટેલે આપણને એવો ખ્યાલ આવી જાય કે આપણે કોઈ બીજા અને અલગ પ્રકારના પ્રદેશમાં પ્રવેશી રહ્યા છીએ.
  અત્યાર સુધીના પ્રવાસમાં  મારા સાથે લગભગ મારો આખો પરિવાર હોતો નથી, પણ આ કચ્છ પ્રવાસમાં મારી બંને દીકરીઓ, બંને દીકરા અને અમે બે એમ રેશનકાર્ડ પ્રમાણે નો પૂરો પરિવાર સાથે હતો.પૂરા પરિવાર સાથે બહાર નીકળો અને આરામથી ઘેર આવો એ આજના જમાના  માં એક શુભ ઘટના કહી શકાય.હાઇવે બહુ જોખમી થઈ ગયા છે. હરપળ સાવચેત રહેવું પરિવાર અને પોતાની સુરક્ષા માટે અતિ  આવશ્યક છે.
 પાલનપુરથી 110 કિમી નો પ્રવાસ કરી ને પહોચ્યા રાધનપુર, અહી બાજુમાં પ્રેમનગરમાં મારા પરમ મિત્ર ગિરીશ ભાઈ રહે એમના ઘેર જઈને ચા- નાસ્તો કર્યો અને દસ મિનિટના રોકાણ સાથે ગયા હતા અને એક કલાક રોકાયા.  
   બાળકો સાથે હોય એટેલે નેશનલ હાઈવેના માઇલસ્ટોન નો આકાર અને સ્ટેટ હાઈવેના માઇલસ્ટોન નો કલર તો બતાવવો પડે!! વળી હોટલથી કરીને રોડથી સાઇડમાં આવતી માનવસર્જિત વસ્તુઓ અને કુદરતી સૌંદર્ય ની સમજ આપણે આપવી જરૂરી થઈ જતી હોય છે. રેલ્વે લાઇનથી આપણે નજીક ચાલતા હોઈએ અને એજ સમયે સમાંતર ટ્રેન પણ ચાલતી હોય તો આખા પ્રવાસનો ખર્ચ વસૂલ થઈ જાય   હો!!
  કેટલીક વાર તો એવા મુદ્દા પણ આવ્યા કે બાળકો એ સામે થી કહ્યું કે અમારે આવું ભણવાનું આવે અને અમારે આવાં ચિત્રો આવે અને અમે જો કુદરતી સૌંદર્ય નું ચિત્ર દોરીએ તો આવું જ દેખાય. બાળકોનો આનંદ એ મારો મારો સવાયો આનંદ.
      આટલી વાતો અને વિચારો કર્યા પછી અમારી ગાડી પહોચી ચિત્રોડ.હાઇવે પર ચિત્રોડ નું બોર્ડ આવતાં જ મે ગાડી લીધી પૂ નીચે થી ચિત્રોડ બાજુ, નિલેષ ભાઈની જવાબદારી ગૂગલ મેપ જોવાની હતી. એમાંને તરત કહ્યું પપ્પા આપણે પહલેથી આવો કોઈ રૂટ નક્કી કરેલ નથી , ગૂગલ આપને ના પડે મે જવાબ આપ્યો  ઠીક છે બેટા આપણે અહીં બાજુમાં સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા છે એ  જોવા જઈ રહ્યા છીએ.
     મે થોડી મને યાદ હતી એટલી માહિતી આપી. સંત શ્રી ત્રિકમ સાહેબ રવિ-ભાણ સંપ્રદાય ના સંત હતા, સંપ્રદાય હિન્દુ ધર્મ માં જે ઊંચ- નીચના ભેદભાવ છે એમાં માનતો નથી, લગભગ બધી જ જાતિના સંતો આ સંપ્રદાયમાં થઈ ગયા છે.સૂફી વાદ અને સૂફી સંતો વિષે તમે મોટા થાઓ ત્યારે અથવા તમને જ્યાં વાંચવા મળે ત્યાં વાંચજો.
  ચિત્રોડ માં હું અગાઉ બે-ચાર વખત આવી ગયેલો એટલે મારે  કોઈને પૂછવું ન પડ્યું, આમેય આજના જમણા માં ગૂગલ ગુરુ આવી  જવાના લીધે ભાગ્યેજ કોઈને રસ્તો પુછવો પડે છે.
               મંદિર દર્શન અને ગુરુ મહારાજ નો ઢોલિયો અને ભજન ગાવાની વાજિંત્રો જોયા, દિવાલો પરનાં ચિત્રો અને એની નીચે લખેલી લાઈનો ઘણી સમજ આપતી હતી.રવિ સાહેબ, ભાણ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ  બધાય સાહબોના સાહેબ આજે યાદ આવ્યા.
              ફીર સે નેશનલ હાઇવે સત્યાવીસ....હવે  ઉદ્યોગો વાળો વિસ્તાર આવવા લાગ્યો હતો.અગિયારમી ઓક્ટોબર 2018 ની સવારે સાત વાગ્યે પાલનપુરથી નીકળેલી ગાડી સવા બાર વગાતાં સુધીમાં તો આદિપુર પહોચી ગઈ.ત્રણસો પચીસ કિમી નું અંતર આરામ થી કપાઈ ગયું. બપોરે જમીને આરામ કરી ને જબકીને જાગી ગયો, સાગર-નિલેષને જગાડવાનો પ્રયાસ કરતો હતો તો એ બન્ને મોબાઈલ પર રમવામાં  મસગુલ હતા, મને કે પપ્પા અમે તારા જગવાની રાહ જોઈ રહ્યા હતા, બોલો ક્યારે જાવું તોળી ઘોડી જોવા.
    આદિપુરથી અંજાર સાવ નજીક જ અને નીકળી પડ્યા તોળી ઘોડી અને તોળી રાણી ની સમાધિ જોવા, જ્યાં જેસલ જાવ અને તોળી તલ ખસે છે એમ કહેવાય છે.વચ્ચે વેલસ્પન સર્કલની સુંદરતા જોઈને મારા 1991 -92ના મિત્ર પબાભાઈ દેસાઈના ઘેર સ્મરણો વાગોળવા પહોચી ગયા.થોડીવારમાં ઘણી બધી વાતો કરી.
  અંજારથી પરત ફરતાં વચ્ચે મેઘપર [કુંભારડી] નામનું ગામ આવે ત્યાં મારા પરમ મિત્ર અને અમે ભુજ પીટીસી કોલેજના ના સાથી પબા ભાઈ જેવા જ મિત્ર શામજી ભાઈ માતંગના ઘેર પહોચ્યા.મિત્રના ઘેર મિત્ર પરિવાર  સાથે જાય પછી તો આગતા-સાગતા નું શું કહેવું?...ખૂબ વાતો કરી શુભ પ્રસંગોના ફોટા જોયા.આનંદ અને ખુશી સાથે છૂટા પડ્યા.
       શામજીભાઇ માતંગ ની ઈચ્છા હતી કે અમે ગાંધી સમાધીનાં દર્શન કરીએ, ઘેર જવાનું મોડુ થાતું હતું છતાં પણ અમે ગાંધીજી ની સમાધિ જોવા ગયા, જોયા પછી બહુ આનંદ આવ્યો. ભારત માં ગાંધીજીની બે જ સમાધિ છે એક મુખ્ય સમાધિ દિલ્હી –રાજઘાટ અને આ બીજા નમ્બર ની સમાધિ આદિપુરમાં .આ સમાધિ કૃપલાની જીના પ્રયાસોથી અહીં બનાવવામાં આવી છે.એના પર આવું બધુ લખેલું હતું પણ હું આ અઠવાડિયામાં  પૂના ગયો હતો ત્યાં કસ્તુરબા  અને મહાદેવ ભાઈ દેસાઈની બાજુમાં પણ મને એક ગાંધીજી ની સમાધિ જોવા મળી. ફીર ભી ધન્યવાદ સિંધ રિહેબિલિટી ઓથોરિટીને....
       અજાણ્યા આદિપુરમાં રાત્રે આઠ વાગ્યે ગૂગલ પણ ભૂલું પડ્યું. ભત્રીજાઓ સામે લેવા આવ્યા એટલે અમે અમારા ઉતારે પહોચી શક્યા.થાક, આનંદ અને આવતીકાલત્ની તૈયારી સાથે પથારીમાં લંબાવ્યું.
              12મી ઓક્ટોબર 2018 સવારના સાત વાગ્યે  તૈયાર થઈને બે મારુતિની ગાડીઓ  શક્તિ દર્શન માટે રવાના થઈ .ભત્રીજા મફત હેમાણી એમાંની ગાડી મારુતિ 800 ચલાવતા હતા, આપણે તો છેક થી સેલ્ફ અંદ સેફ ડ્રાઈવના મોડ પર હતા જ.ફરી થી કચ્છમાં અંજાર રૂડા શેર છે  હો જી રે.... ગઈકાલ   ના તાજા રસ્તા અને નિલેષ ભાઈ નો ગૂગલ મેપ અને મારી 1990 થી 92 ની યાદોના સહારે ગાડી સડસડાટ ભુજ તારા જાતિ હતી.ગાડીની આસપાસનાં દ્રશ્યો જોવામાં બાળકો મશગુલ હતાં.નવી બનતી સોસાયટીઓ, તીવ્ર હોર્ન મારીને પસાર થાતાં વાહનો, રસ્તાની બાજુમાં આવતી નાની- નાની ટેકરી, એના પર કયારેક ફરફરતી દેખાતી ધજાઓ, નાળિયેરની વાડીઓમાં જુમતાં દેખાતાં નાના-મોટા નાળિયેર,નાળિયેરની વાડી અને ખજૂર- ખારેક ની વાડી માટે થતાં બાળકોના સંવાદ ની વચ્ચે મારું ધ્યાન રોડ પર જ હતું.
  અચાનક મારી નજર એક લાલ  કલરના જૂના બાંધકામ પર પડી , બાંધકામ મને ભુજ ની જૂની છતેડી જેવુ લાગ્યું એટેલે મે સાઈડ લાઇટ ચાલુ કરીને ગાડીને રોડની બાજુમાં ઊભી રાખી, મારી વાત સમજીને મફત ભાઈ એ પણ ગાડી ઊભી રાખી. આ જ્ગ્યા હતી માધાપર ચાર રસ્તા અહીં એક પ્રાચીન વાવ આવેલી છે.બહારથી સુંદર બનાવેલી ઇમારતને આછા લાલ કલરથી રંગવામાં આવી છે ,ને આસપાસ નાનકડો પણ સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે.અમે છેક વાવની અંદર જઈને જોઈ આવ્યા.ન વાંચી શકાય એવી  ભાષામાં વાવ નો ઇતિહાસ એક આરસપાણ પર કોતરેલો જોવા મળ્યો.વાવની આસપાસનું સુંદર વાતાવરણ અને એક પ્રાચીન જ્ગ્યા જોયાના આનંદ સાથે આગળ નીકળ્યા.
              અહીંથી તરત જ ભૂજિયો ડુંગર દેખાવાનો ચાલુ થી ગયો હતો, ભૂખરા રંગનો કિલ્લો એની જાહોજલાલી ડુંગરની ટોચ પરથી અમને કહી રહ્યો હોય એવો ભાસ થતો હતો.ઉપર આવેલી ભુજીયા નાગ ની નાનકડી ડેરી ઘણા મોટાં રહસ્યો એમાં લઈને ઊભી હતી.અમે ભૂજમાં રહેતા હતા ત્યારે નાગપાચમના દિવસે છેક ડુંગર ચડવા જાતા. ક્રિશ્ના- જિજ્ઞા ગાડીમાં વાગતાં ગીતો સાથે તાલ મીલાવીને આસપાસનાં દ્રશ્યો જોતી હતી, નિલેશભાઈ મેપમાં દ્રષ્ટિ રાખીને આસપાસનાં દ્શ્યો જોતાં હતા, જ્યારે સાગર ભાઈ વિડીયો રેકોર્ડિંગ કરતાં- કરતાં કેમેરાની આંખે આ બધું જોઈ રહ્યા હતા.મારી નજર રોડ પર અને બાળકો પર બન્ને જગ્યાએ સમાન હતી એમ કહું તો ચાલે.
  ભૂજિયો ડુંગર પૂરો થયો એટલી વારમાં લશ્કરી કેમ્પની આગળ મૂકેલી યુદ્ધ ટેંકના લીધે મારે ગાડી ધીમે ચલાવવી પડી જેના લીધે બાળકો એ દ્રશ્ય એમના માનસ પટ્ટ પર અંકિત કરી શકે.એનાથી થોડા આગળ ગયા એટલે એક યુદ્ધ વિમાન ચાર રસ્તા ની વચ્ચેની જગ્યા એ મૂકેલું હતું, અમારે લેફ્ટ સાઈડ વળી જવાનું હતું પણ વિમાન સારી  રીતે જોઈ શકાય એ માટે ચાર રસ્તાને ગોળાકાર રાઉન્ડ લગાવીને પછી અને ડાબી બાજુ વળ્યા.જ્યારે-જ્યારે  મને સમય મળતો હતો ત્યારે-ત્યારે હું બાળકોને મારા ભૂજના અનુભવો કહેતો રહેતો હતો.
  રૂપિયાને પચાસ પૈસામાં અમે આખો મહિનો ભૂજ થી મીરજાપર ઘૂમરા લગાવતા એ વાત જાની ને બાળકોને ખૂબ આશ્ચર્ય થયું.પિથોરા પીરથી આગળ જાતાં મીરજાપર આવ્યું તો મુખ્ય રોડ છોડીને એક બે કિમીનો રાઉન્ડ ગામમાં જઈ આવ્યા, જ્યાં અમે જાતે રોટલા બનાવીને ખાતા હતા એ ગામડાને જોઈને બાળકો બોલ્યાં પપ્પા આ તો શહેરને પણ ટક્કર મારે એવું ગામ છે.
   કચ્છ માં એવાં ઘણાં બધા ગામ છે કે જે એશિયા ખંડમાં પૈસાદાર ગામમાં એની ગણતરી થઈ શકે, એવાં માનકુવા અને સુખપર થઈ ને અમારી ગાડીઓ પહોચી એફિલ ટાવરના નાના ભાઈ કહી શકાય એવાં સામાત્રા ગામે. ઊંચો ટાવર જોઈને યોગ્ય જગ્યા એ ગાડી ઊભી રાખી, નજર ભરીને નિખ્યો ટાવર, ફોટોગ્રાફી અને સેલ્ફિઓ તો હોય જ એમાં તો કઈ ના ઘટે.
               
       નખત્રાણા માં થોડીવાર રોકાઈને  વચ્ચે આવતા નાના પર્વત,સૂકી નદીઓ,સૂકા-લીલાં વૃક્ષો જઈને અને એક પ્રાચીન મંદિર કેઆર જેઆર સિમેન્ટ વિના ફ્ક્ત મોટા -મોટા પથ્થર એક બીજા પર ગોઠવીને બનાવ્યું હતું, મારી ધારણા પ્રમાણે આ કચ્છનું સૌથી પ્રાચીન મંદિર હશે.ફરતી અને બંધ પવન ચકકીઓ જોઈને અમે પહોચ્યા, શક્તિ ધામ "કચ્છ ધણિયાણી"ના ધામ માતાના મઢ.માં શક્તિ ભગવતીના દર્શન કરીને ઘા એ ઘા ગાડીઓ આવી ભૂજ સિટી.
       ગુજરાતનાં પ્રાચીન શહેરોમાં નું એક અને મને ગમતા શહેરો માનું એક.નિલેશભાઈ ની જિદના લીધે હિલ ગાર્ડન ગયા પણ હજી બે વાગ્યા હતા એટલે રાઈડો ચાલુ થઈ ના હતી માટે શરદ પેલેસ વાળે રસ્તે થી ખેંગાર પાર્ક પહોચ્યા, પાર્ક તો  અમારો શશિવન અમને ગમતો  એટલે હોટલ લેકવ્યૂહ આગળ થઈને હમીરસરના કિનારે પહોચ્યા,રાજેન્દ્ર પાર્ક ને બાજુમાં રાખીને સીધા કચ્છ મ્યુઝિયમ માં પ્રવેશ કર્યો.
       ઇતિહાસ- ભૂગોળ વિષય  મનગમતા હોય તો આ મ્યુઝિયમની મુલાકાત અચૂક લેવી જોઈએ.આખો દિવસ જો અહીં રહ્યા હોઈએ  ને તો  શીખવા સાથે  બહુ આનંદ મળે.અહીં બહાર મૂકેલી એક મોટી તોપ એક આખો ઇતિહાસ પોતાનામાં સંઘરીને બેઠી છે.તોપ મૈસૂરના ટીપુ સુલતાને કચ્છના બહાદુર સેનાપતિ જમાદાર ફતેહમહમદ ખાનને ભેટમાં આપી હતી. મારા મિત્ર મહાદેવ બારડ કહે છે કે કચ્છ રજવાડું મૈસૂરને ઘોડા વેચતું હતું, ગમે તે હોય બાકી આ તોપ ગૌરવ અપાવે છે એ નક્કી.ટિકિટ લઈને મ્યુઝિયમમાં પ્રવેશ કર્યો.
     કાપડ માટે એક સરસ વિભાગ હતો, મશરૂ  વિષે જાણવાની મજા આવી.દીકરી ક્રિશ્ના એ ઘણી બધી લેખિત નોધ કરી.માટી,ચાંદી,ત્રાંબા-પિત્તળના વાસણો જોવાનો અને એના ઘાટ જોવાની મજા આવી.હાથીદાંતનું નકશી કામ અદભૂત હતું.હાથીદાંત માંથી બનાવેલો અજગર જઈને એ કલાકારની કારીગરીને વંદન કરવાનું મન થયું, હું આટલો ખુશ થયો જે દિવસે કારીગર આ અજગર લઈને  રાજાની સભામાં ગયો હશે ત્યારે એનું મોટું બહુમાન થયું હશે.કદાચ મોતીઓનો હાર પણ ભેટમાં મળી ગયો હોય.બંદુકો,પિસ્તોલો, તલવારો, ઘરેણાં રાખનાં મોટા માટલા જેવી તિજોરીઓ વગેરે જોવાનો લ્હાવો અનેરો રહ્યો.આરસપાણ ની મૂર્તિઓ પણ મૂકેલી હતી, એમાં ધ્યાનથી જોઈ તો નીચે લખલું હતું કે આ મૂર્તિઓ બનાસકાંઠા જિલ્લાના વાવ માંથી મળેલી છે. ત્યારે જરાક કોલર ઊંચો કરવાનું મન થયું.
              આજે શુક્રવાર હતો માટે શરદ પેલેસ બંધ  એટલે અહીં થી થોડી ઉતાવળ કરીને પહોચ્યા, જે રસ્તે લોર્ડ કર્ઝન ,,1900 માં ચાલ્યો હતો.એ રસ્તો એટલે પ્રાગ મહેલના મુખ્ય ગેટ વાળો રસ્તો.પરાગ મહેલ પહોચીને એની ભવ્યતાને માણી.પ્રાગ મહેલની પૂર્વ દિશામાં આવેલો આઈના મહેલ 2001ના ભૂકંપમાં લગભગ 90% નષ્ટ  થઈ ગયો છે. એટલે એમાં તો ગયા નહીં પણ પરાગ મહેલ ની ટિકિટ  લઈને  છેક ટાવર ક્લોક  સુધી જઈ ને આખું ભૂજ એક જગ્યા એ ઊભા રહીને જોયું.પ્રાગમહેલના જરૂખેથી ભૂજિયાને જોવોને એ અદભૂત ક્ષણ હતી. લાલ પથ્થર અને વિશિષ્ટ ડિઝાઇનથી બનેલો આવો મહેલ આખા ભારતમાં બેજોડ છે.
       એક જમાના માં જે તોપથી ભલભલા મૂછો વાળા ડરતા હતા એ તોપ આગળ આરામથી ઊભા રહીને ફોટા અને સેલ્ફિ લીધી.ફરીથી પાછા ફરતી વખતે બાળકોને હમીરસરના કિનારે ઊભા રાખ્યા ને એના 2% પાણીમાં તરતાં પક્ષીઓ બતાવ્યાં.ડર લાગે એવો ભમ્મરિયો કૂવો દૂર થી બતાવીને વીઆરપી હોટલ વાળા  રસ્તેથી બહાર આવ્યા, વીઆરપી હોટલ નું આખું નામ જાણશો ને તો આપણે આનંદ થાશે, તમને એમ હશે કે હોટલ વીઆઇપી હોય, પણ કાય વીઆરપી.... હા વીઆરપી એટલે  'વેલજી રામજી પિંડારિયા'  મિત્રો આ નામ મને એટલા માટે યાદ રહ્યું કારણકે "લાલજી રામજી પિંડારિયા" ના મકાનમાં હું 1991 માં રહેતો હતો , એમના ભાઈની આ હોટલ હતી. એની છત પર અમે ઉતરાયણ ના પતંગ લૂટવા જાતા.
              મારી પીટીસી કોલેજ બાળકોને બતાવીને ભૂજ શહેરની ઘણી સ્મૃતિઓ લઈને વિદાય લીધી.
ભૂજથી પાછા ફરતાં માધાપર પછી તરત ડાબી બાજુ ભૂજોડી આવે, ભૂજોડીમાં વસતો દરેક માણસ હસ્તકલાનો કારીગર, એ હસ્તકળા  ભરતકામની ની હોય માટી કામની હોય કે , કે  લાકડાપાર કોતરણી કરવું ની હોય એમની એમાં મહારત વર્ષોથી રહેલી છે.. મારી દ્રષ્ટિ એ આ ગામ માં સૌથી વધારે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતાઓ રહે છે..ગામની છેક  પાછળના ભાગમાં વંદે  માતરમ પાર્ક આવેલો છે, આ પાર્કની અમે મુલાકાત લીધી. વિશાળ અને સુંદર બગીચો, જૂની એક હજારની નોટ ની યાદ તાજી થાય એવાં સ્ટેચ્યું. સંસદ ભવન ની પ્રતિકૃતિ ,એમાં બતાવવામાં આવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ અમે મોડા જવાના લીધે જોઈ ન શક્યા.મહાત્મા ગાંધીજી વિશાળ કદ ની એક મુર્તિ મૂકેલી છે. એક વિંટેજ કાર પણ મૂકેલી છે, જેમાં ખુદ મહાત્મા ગાંધી મૂર્તિના સ્વરૂપે બેઠેલા છે, પ્રવાસીઓ ડ્રાઇવિંગ સીટ પર બેસીને ફોટો પડાવી શકે છે.આખા પાર્ક માં જે બાંધકામ કરેલું છે એ ની ડિઝાઇન મસ્ત છે.
   જય હિન્દ.... જય ભારત.. જય જય ગરવી  ગુજરાત.................
  લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
લખ્યા તારીખ : 18 ઓક્ટોબર 2018
સમય : સાંજે  7-40
સ્થળ : હરીપુરા   

Comments

  1. વાહ !કાન્તિલાલ...કચ્છડો બારેમાસ.. અદ્ભુત વર્ણન...👌👌👌👌

    ReplyDelete

Post a Comment