પાટણ નો  પ્રવાસ
        એક રવિવારીય સવારે આરામની ઊઘ માણી રહ્યો હતો, એવા  ગુલાબી સમયે મોબાઈલે મને જગાડયો, મને એ વાતની ખબર હતી કે મને  “અંગુઠો મરડીને” જગાડે એવું આજે કોઈ  હાજર નથી, પણ એ અગત્યની વાત ભૂલી ગયો કે મોબાઈલ તમને બીજી દુનિયામાં પણ લઈ જાઈ શકે અને ગમે ત્યારે આ સાસ્વત દુનિયામાં પણ  પાછા  લાવી શકે,અધૂરા સપના વાળી ઊંઘમાં મોબાઈલ કાન પાસે રાખ્યો..! વાયર વગરના સામે છેડેથી એક કર્ણપ્રિય અવાજ આવ્યો..
.કેમ છો અંકલ..?
અવાજ   થોડીજ ક્ષણોમાં ઓળખાઈ ગયો  એટલે  
કાયમીના  લ્હેકા માં.. “બોલો  બટી”
“ઓહહ સૂર્ય વંશી”
“નહિ બટી ચંદ્ર વંશી પણ કહી શકો કારણકે રાત્રે બે વાગ્યા સુધી ચંદ્રને પણ માણ્યો છે..!!
કાકા જી તમે જિંદગીને માણો છો , એટેલે તો તમને આજે આટલો વહેલો ફોન કર્યો..
વાહ.. બોલો બટી ...
જી , આપની પાસેથી ત્રણ ચીજની જરૂર હતી..!
અઈ એક –એક માંગ રાક્ષસો પણ એક સાથે ત્રણ વરદાન  ન માગતાં.
વરદાન કાકા નથી જોઈતા , પણ ત્રણ વસ્તુ આપો.
આપી ,બોલો શું જોઈએ છે? જીવ સિવાયનું માંગેજે...
કાકા તમારો જીવ કોની પાસે છે એની મને ખબર છે.
ભત્રીજાઓને  આવી સોનેરી વાતોની તો અચૂક ખબર હોય જ ..
હવે જે માંગવુ હોય એ માગી લે ઊંઘ પૂરે પૂરી ઊડી ગઈ છે.
પહેલી વસ્તુ આપો અનુમતિ પાટણ જાવાની..!!
એમાં શું અનુમતિ લેવાની હોય જઈ આવ પાટણ...!
ફોનમાં બીજા આવતા અવાજો તરફ મારુ ધ્યાન થોડું હતું છતાં એ આસપાસના વાતાવરણ પરથી કહી શકું કે એ  આજે પોતાના  આવાસ પરથી જ મને ફોન કરતો હતો.
આગળ એ બોલ્યો : “ પાટણ તો જાવું છે પણ સાથે તમારે આવવાનું છે.”
વાહ આંમત્રણ ગમ્યું પણ મે એવો કોઈ અવાજમાં ભાવ ન આવવા દઈને વાત ચાલુ રાખી.
“તું ખર્ચ કરતો હોય તો પાટણ તો શું પટણા આવવા તૈયાર”
“તો તમે  અનુમતિ અને તમારી ગાડી લઈને આવી જાઉં થરાદ .. આપણે  પાટણ જાવું”
આટલું કહીને ફોન સીધો કટ થઈ ગયો અમે મારા “ પાટણ” પ્રવાસની શરૂઆત થઈ.
·                   *               *             *          *
16 મી નવેમ્બર 2019
શનિવાર એટલે મારા માટે  હમેશાં  સુખદાયક દિવસ, આ દિવસે લગભગ હું પ્રવાસમાં જ હાઉ,ક્યાંય ન જાઉં તો મિત્રો સબંધીઓને મળવા માટે પણ જાઉં પણ આજનો શનિવાર પાટણ માટે ફિક્ષ હતો.
પાટણનું નામ સાંભળતા જ કેટલાક લોકોને એમની પ્રેમિકા અચૂક યાદ આવી જાય જે કાળી આસફાલટની સડક પર જાણે નાચતી- નાચતી કહેતી હોય કે “છેલા જી રે મારે હાટું પાટણથી પટોળાં મોઘાં લાવજો...” કેટલાક નસીબદાર લોકોને આ ગીત એમની નવોઢા  કે જુનોઢા પણ ગાવતી હોય એવું બની શકે..! હવે આ વાક્ય વાંચીને એ વિચારે ણ ચડી જાઓ કે આ “જુનોઢા” વળી ક્યાથી આવી , જીવનની અડધી સદી  પૂરી કરનારાઓને કહેજો એનો સુંદર અર્થ સમજાવશે..!! ચાલો આપણે પાટણ તરફ મોડુ થશે.
        પાટણ તરફ આપણે જતા હોયે અને આપણને કઈ-કઈ વાતો યાદ આવે, મને તો આખી “ પાટણની પ્રભુતા” અને “કરણ ઘેલો” યાદ આવી જાય..!આમ છતાં કેટલાક નામ નમન સાથે લઈ લઉં. વીર માયાદેવ, જસમાં ઓડણ, સિદ્ધરાજ જયસિંહ(સધરો જેસંગ), કુમારપાળ,  રાજ માતા મિનલદેવી,જગડુ શેઠ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય,સરસ્વતી નદી,કિલચંદ પરિવાર, શોભા ડે આ સિવાય ઘણાં બધાં નામ હોય શકે મારા ધ્યાનમાં હાલ પૂરતા આટલાં જ આવ્યાં.
        આટલું વિચારતાં-વિચારતાં મારી ગાડી જે હું જાતે ડ્રાઈવ કરી રહ્યો હતો એ દુનિયાના પ્રસિદ્ધ વિસ્તાર “ કાંકરેજ” માં આવી ગઈ હતી. કાંકરેજના મુખ્ય શહેર શિહોરીના મજબૂત પુલ નીચેથી પસાર થાતાં એક અદભૂત રોમાંચ થયો, કારણકે હું મારા દેશનું એક ધોરી નસ નીચેથી પસાર થઈ રહ્યો હતો.
        મારી બાજુમાં મારા ભત્રીજા ધેંગા ભાઈ બેઠા હતા એમના નામનો અર્થ થાય છે, બહુ ઊંચી પહોચ વાળા માણસ.આ અર્થ મને એમને જ બતાવ્યો. તેઓ સારા લેખક અને વાચક તો છે જ પણ એક સારા શાયર છે.પાછળ ની બેઠક માં પૂજા અને ચિરાગ હતાં જે મારા ભત્રીજાના સંતાન છે. અને એમની બાજુમાં ભત્રીજાનો પરિવાર.
 રોડ પર જેટલી સ્પીડ થી ગાડી ચાલતી હતી એના કરતાં ઝડપી “ પાટણ” ના વિચાર આવતા હતા.ચાલો આગે મિલતે હે...
                                        લેખન : કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                                                હરીપુરા
                                        10 ડિસેમ્બર 2019
         
 


Comments

  1. ખૂબ સરસ...પણ પ્રવાસ વર્ણન હજુ બાકી...ઐતિહાસિક પાત્રોનો પરિચય પ્રવાસ વર્ણનમાં થઈ જાય એવી અપેક્ષા... જય જય ગરવી ગુજરાત

    ReplyDelete

Post a Comment